તુ મારી આંખોના ઇશારે ના નીકળ.
તુ મારા વિશેના વિચારે ના નીકળ.
ઘટી જશે આ ચમકતા ચાંદનુ મુલ,
ચાંદની રાતે તુ ઘરની બહારે ના નીકળ.
વર્ષમાં જુજ દિવસો હોય છે હસવાના,
રડાવવા મને,તુ વાર-તહેવારે ના નીકળ.
ફીકા પડી જાય છે પુષ્પો સુમનના,
પંખીઓના કલરવે ને ઉઘડતી સવારે ના નીકળ
ભીજાઈ જઈશ તુ દૂર હોવા છતાં પણ,
પલળવુ ના હોય તો ,તુ કિનારે ના નીકળ.
પ્રપંચોથી ભરી પડી છે આ દુનિયા,
‘ઈશ્ક’તુ એકલા શબ્દોના સહારે ના નીકળ
‘ઈશ્ક’પાલનપુરી
તમારી રચનાઓ વાંચી. એમાં સુંદર ભાવો વ્યક્ત થયા છે. પરંતુ ભાષાની થોડીક શુદ્ધિ કરો તો રચનાના અર્થ યથોચિત નીકળે. જેમ કે
તુ મારી આંખો ના ઇશારે ના નીકળ.
તુ મારા વિશે ના વિચારે ના નીકળ.
એમાં પ્રથમ પંક્તિમાં આંખો અને ના તથા બીજી પંક્તિમાં વિશે અને ના બંને સાથે આવે. જો અલગ હોય તો એનો અર્થ નહીં એવો થાય. જેમ કે ઈશારે ના નીકળ (એટલે કે નહીં નીકળવું) એવો થાય. ટુંકમાં આવી રીતે હોવું જોઈએ.
તુ મારી આંખોના ઇશારે ના નીકળ.
તુ મારા વિશેના વિચારે ના નીકળ.
સાહિત્યનું સર્જન કરતા હોવાથી ભાષાની ગરિમા જાળવવાની જવાબદારી પણ આપણી સૌની છે. હજુ તમારા દ્વારા વધુ સુંદર સર્જનોની અપેક્ષા રાખું છું … મળતાં રહીશું.