જીવી ગયો 

તારી નજરના તોરમાં જીવી ગયો. 
તારા સ્મરણના પ્હોરમાં જીવી ગયો.

કંઇ કેટલાયે શોરમાં જીવી ગયો. 

જાણે કયાં કયાં દોરમાં જીવી ગયો.
કમખા તણા એ મોરમાં જીવી ગયો. 

એ ઓઢણી ની કોરમાં જીવી ગયો. 

હું અંશ છું શ્રધ્ધા તણો તેથી જ તો, 

શબરી તણા હું બોરમાં જીવી ગયો

સો સો સલામી એ રબારી ભાઇને, 

જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.

બધા આઁસુઓ ને વહાવીને જોશુ.

નજરથી નજરને મિલાવીને જોશુ.
હ્રદયથી હ્રદયને લગાવીને જોશુ.

બધાયે રિવાજો ફગાવીને જોશુ
સનમને સનમથી બચાવીને જોશુ

હસાવીને જોશુ મનાવી ને જોશુ
તમોને અમારા બનાવીને જોશુ

અમે માપવાને તલિયુ નયનનું.
બધા આઁસુઓ ને વહાવીને જોશુ.

સુની રે પડી છે હવેલી અમારી,
છબીઓ તમારી સજાવીને જોશુ.

સમય આવશેે ઈશ્ક નો એક દિવસ
નયનના ઇશારે નચાવી ને જોશુ.

તમારા નગરની હવાઓ નડી છે

સદાઓ નડી છે અદાઓ નડી છે.
લટોની એ કાળી ઘટાઓ નડી છે.

ઘડી બે ઘડીની મજાઓ નડી છે.
તમારા નગરની હવાઓ નડી છે.

તમોને નડી છે ખતાઓ તમારી,
અમોને અમારી જફાઓ નડી છે.

જો કારણ જણાવું અમારી દશાનું
દુવાઓ નડી છે દવાઓ નડી છે.

ફળી છે તને બેવફાઈ હંમેશા ,
અહીં’ઇશ્ક’ને તો વફાઓ નડી છે

યાદનું વાવાઝોડું

03/05/2000માં એક અછાંદસ લખેલું જે આપણી સમક્ષ મૂકી રહ્યો છું

હોઠ પરનું સ્મિત ગાયબ થઇ જાય છે,

દિલ ચડે છે તારા વિચારોના રવાડે,

દુનિયાની હાજરી વિસરી જવાય છે.

ભીડમાં પણ એક્લો બની જાઉં છું અને

આંખમાં એકલતા કણસ્યા કરે છે ,

પાંપણો આંસુ સાથે સાથે દોસ્તી કરી લે છે.

આંખની કીકીઓ ટગર…ટગર…તને શોધ્યા કરે છે.

મારી બધીક્રિયાઓ અટકી જાય છે.

જાણે સમય પણ થંભી જાય છે.

છાતીમાં ડૂમો ભરાઈ જાય છે,

આવું તે તારી યાદનું વાવાઝોડું ફૂંકાય છે..

સનમ સાચવે છે .

ના વધુ સાચવે છે ના કમ સાચવે છે
મહોબત તણોએ ભરમ સાચવે છે

ગઝલ સાચવે છે નજમ સાચવે છે
મને જાનથી વધુ સનમ સાચવે છે

કરો વાત મારી તો ચીડાઈ જાશે,
સ્વભાવ હજુ પણ એ ગરમ સાચવે છે.

એ રીતે બધી યાદને સાચવી મે ,
અહીં જેમ વિધવા રકમ સાચવે છે.

કહીને મને બેવફા વાતવાતે ,
એ વર્ષો પુરાણી રસમ સાચવે છે.

હતો જ્યાં હૃદયમાં સદા વાસ એનો ,
હવે ‘ઇશ્ક’ દિલમાં જખમ સાચવે છે .