રુપાળી ગઝલ

ફીણ,રૂ,અને રેશમની આંટીથી યે સુવાળી ગઝલ.
ચાંદ , ચાદની અને ફૂલથી યે રુપાળી ગઝલ.

વાંચો તો દિલમાં વેદના ઉઝરડા કરી જાય,
જીંદગી ભર કણસ્યા કરે એવી કાંટાળી ગઝલ.

કદીક ગઝલ વૃક્ષ નીચેનો વિસામાનો ઓટલો,
ક્યારેક બે ખેતર વચ્ચેની પાળી ગઝલ.

ભટક્યો છું આમ તો હુ ઘણો ગઝલની શોધમાં,
મોસમી સાંજે એની આંખોમાં મે ભાળી ગઝલ.

એકાંતમાં સંભારણુ બની અચાનક સાંભરી આવે,
જાણે રસ્તામાં આપેલ કોઇકે હાથતાળી ગઝલ.

પાનખર,રણ,ધૂળ’ને ઝાંઝવા બધુય આવે,
છતાંય ધરાથી યે વધુ હરીયાળી ગઝલ.

ઘણાયે ગઝલને સુરા ગણી પી જાય છે,
અમે તો જામમાં બરફની જેમ ઘોળી ગઝલ.

ક્યાંય કશુ વધારાનુ આલેખ્યુ છે અમે,
‘ઈશ્ક’અમેતો ગઝલ વિશે સાંભળી ગઝલ.

‘ઇશ્ક’પાલનપુરી

Advertisements

વાર-તહેવારે ના નીકળ

તુ મારી આંખોના ઇશારે ના નીકળ.
તુ મારા વિશેના વિચારે ના નીકળ.

ઘટી જશે આ ચમકતા ચાંદનુ મુલ,
ચાંદની રાતે તુ ઘરની બહારે ના નીકળ.

વર્ષમાં જુજ દિવસો હોય છે હસવાના,
રડાવવા મને,તુ વાર-તહેવારે ના નીકળ.

ફીકા પડી જાય છે પુષ્પો સુમનના,
પંખીઓના કલરવે ને ઉઘડતી સવારે ના નીકળ

ભીજાઈ જઈશ તુ દૂર હોવા છતાં પણ,
પલળવુ ના હોય તો ,તુ કિનારે ના નીકળ.

પ્રપંચોથી ભરી પડી છે આ દુનિયા,
‘ઈશ્ક’તુ એકલા શબ્દોના સહારે ના નીકળ

‘ઈશ્ક’પાલનપુરી

નામ આપી દે

મને તારા નયનનુ છલકતુ જામ આપી દે.
હવે આપણા સબંધ ને કંઈક નામ આપી દે.

બહુ થયુ ,ઘણુ રમ્યા આંખ મીંચામણી,
એક ડગલુ આગળ ભર,કાં અંજામ આપી દે.

જા,બધી લઈ જા,તુ સનમ ખુશી મારી,
પરંતુ મોઘેરા દર્દો તારા તમામ આપી દે.

ભેખ ધારણ કરીને હુ પણ ફકીર બની જાઉ,
એનુ નામ ભુલાવી,ખુદા મુખમાં રામ આપી દે.

મારે શબ્દો સાથે મૈત્રી થઈ ગઈ છે.
ક્રુપા કર ખુદા મને શબ્દો નુ ગામ આપી દે.

એ આશથી તો સહયે જાઉ છુ દર્દો ને,
કે આવીને એ પ્રેમથી દિલાસાનુ ઈનામ આપી દે.

દર્દ સાંભળી રડે છે કાગળ અને કલમ પણ,
મહેરબાની કર એમને તુ થોડો આરામ આપી દે.

દિલ મારુ,ગુનાહો મારા,આ દર્દો પણ મારા છે,
‘ઈશ્ક’નિષ્ઠુર નથી કે તારા પર ઈલ્ઝામ આપી દે.

‘ઈશ્ક’પાલનપુરી

ટહુકો બની ને આવજે.

મારા કવન માં તુ શ્બ્દો બની ને આવજે.
ભૂલો પડુ તો તુ સનમ રસ્તો બની ને આવજે.

બની શકે તો આવજે તુ ખુશી બની ને,
ના બની શકે તો દિલમાં તુ દર્દો બની ને આવજે.

વાદળોની સાથે સાથે બેચેની ઘેરી વળે છે મને,
અષાઢ તે માસ માં તુ ઢેલનો ટહુકો બની ને આવજે.

અવતરજે મારી જીંદગીમાં તુ છાંયડો બની ને,
વળી હુંફ આપવાને તુ તડકો બનીને આવજે.

દિવાળી ની રંગોળી બની રંગો પુરજે મુજ જીવનમાં.
રંગવાને હોળીએ ‘ઈશ્ક’ને તુ કેસુડો બની ને આવજે.

– ‘ઈશ્ક’પાલનપુરી

મન ને કોરી ખાતુ એકાંત…….

સમયના સથવારે, કાળના વ્હેણ સાથે,

ક્યાંય ફસડાઈ ગયા આપણે. કોશો દુર……

જોજનો દુર………..

તુ એક શમણુ બની ને રહી ગઈ,

જ્યારે હુ એક અકલ્પીત હકીકત.

ક્યાં એ સોનેરી સંધ્યા ,ઘુઘવતો દરિયો,

હવા સાથે વાતો કરતી તારી ઝુલ્ફો,

ઘર તરફ પાછા વળતા વિહંગો, હુ, અને તુ,

જ્યારે ક્યા આજની રંગવિહિન નિરસ સંધ્યા,

‘ને મન ને કોરી ખાતુ એકાંત…….
એક આથમતી સંધ્યા ના સુમારે

સાવ અજાણી રીતે તુ મને મળી ગઈ,

જાણે હુ મારા ભાતીગળ ભુતકાળ કે પછી

મારા અતીત ને મળી ગયો

                   – ‘ઈશ્ક’ પાલનપુરી

‘મારુ નામ ચીતરે છે’

જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે.
માસુમ દિલને અચાનક એ સાંભરે છે.

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

શોધો નહિ એને તમે મારી ગઝલ માં,
વ્યર્થ છે પ્રયસો,એતો દિલની ભીતરે છે.

શક્ય ક્યાંથી બને રુપાળુ મિલન અમારુ,
એક બિચારુ મઝધારે,બીજુ કિનારે છે.

ફૂટે છે કૂપળો,વ્રુક્ષો ને જ્યારે હસે છે,
ખરી પડે છે પર્ણૉ,જ્યારે એ ડૂસકાં ભરે છે.

ખેવના હતી મને એના સહારે તરવાની.
 ‘ઈશ્ક’હવે કોઇના નામે કોઇ ક્યાં તરે છે. ?

-‘ઈશ્ક’પાલનપુરી

તો લખુ.

ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ.

એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.

આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.

આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ.

જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.

‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.

[છંદઃગાલગા ગાલગા ગાલગા ગાલગા]  
                
– ‘ઈશ્ક’પાલનપુરી