પતંગાની મંઝીલ


૦૧/૦૨/૧૯૯૯ માં એક રચના લખેલી જે અહીં મૂકી રહ્યો છું

પતંગાને છે જીવનમાં અજવાશની ખોટ.
જોઈ જ્યોતને દુરથી મુકે છે દોટ.

મુખમાં બસ જ્યોતિનું જ નામ છે.
તેને ત્યાં પહોચવાની ઘણી હામ છે.

થાક્યું પાક્યું એ જ્યોત સાથે અથડાય છે.
જીવંત છેવટે એ તેલમાં પછડાય છે.

પાંખો પટપટાવી બળ એકઠું કરે છે ફરી,
ઉતાવળું બની દોટ મુકે છે એ ફરી .

શું કરે બિચારો ? ફરી નીચે પડી જાય છે.
નિરાશ બની પડ્યો પડ્યો એ રડી જાય છે

કહ્યું કાનમાં ‘ઇશ્ક’ અમે કે તું બચી ગયો!,
અફસોસ કે બળ્યા વગર હું જીવંત રહી ગયો.

Advertisements

સબંધ રાખો

જુની ચર્ચાઓ બધી બંધ રાખો.
આટલા સબંધો હવે અકબંધ રાખો.

સ્વાર્થ ને મૂકો બાજુ માં ઘડી,
બસ લાગણીસભર સબંધ રાખો.

હુ ખભો રાખુ’ને તમે માથુ ટેકવો,
કાં,હુ માથુ ટેકવુ ને તમે સ્કંધ રાખો.

કરવાજ હોય જો તમારે દર્શન મારા,
ચિત્ત શાંત રાખો,આંખ બંધ રાખો

                     ‘ઈશ્ક’પાલનપુરી

રુપાળી ગઝલ

ફીણ,રૂ,અને રેશમની આંટીથી યે સુવાળી ગઝલ.
ચાંદ , ચાદની અને ફૂલથી યે રુપાળી ગઝલ.

વાંચો તો દિલમાં વેદના ઉઝરડા કરી જાય,
જીંદગી ભર કણસ્યા કરે એવી કાંટાળી ગઝલ.

કદીક ગઝલ વૃક્ષ નીચેનો વિસામાનો ઓટલો,
ક્યારેક બે ખેતર વચ્ચેની પાળી ગઝલ.

ભટક્યો છું આમ તો હુ ઘણો ગઝલની શોધમાં,
મોસમી સાંજે એની આંખોમાં મે ભાળી ગઝલ.

એકાંતમાં સંભારણુ બની અચાનક સાંભરી આવે,
જાણે રસ્તામાં આપેલ કોઇકે હાથતાળી ગઝલ.

પાનખર,રણ,ધૂળ’ને ઝાંઝવા બધુય આવે,
છતાંય ધરાથી યે વધુ હરીયાળી ગઝલ.

ઘણાયે ગઝલને સુરા ગણી પી જાય છે,
અમે તો જામમાં બરફની જેમ ઘોળી ગઝલ.

ક્યાંય કશુ વધારાનુ આલેખ્યુ છે અમે,
‘ઈશ્ક’અમેતો ગઝલ વિશે સાંભળી ગઝલ.

‘ઇશ્ક’પાલનપુરી

વાર-તહેવારે ના નીકળ

તુ મારી આંખોના ઇશારે ના નીકળ.
તુ મારા વિશેના વિચારે ના નીકળ.

ઘટી જશે આ ચમકતા ચાંદનુ મુલ,
ચાંદની રાતે તુ ઘરની બહારે ના નીકળ.

વર્ષમાં જુજ દિવસો હોય છે હસવાના,
રડાવવા મને,તુ વાર-તહેવારે ના નીકળ.

ફીકા પડી જાય છે પુષ્પો સુમનના,
પંખીઓના કલરવે ને ઉઘડતી સવારે ના નીકળ

ભીજાઈ જઈશ તુ દૂર હોવા છતાં પણ,
પલળવુ ના હોય તો ,તુ કિનારે ના નીકળ.

પ્રપંચોથી ભરી પડી છે આ દુનિયા,
‘ઈશ્ક’તુ એકલા શબ્દોના સહારે ના નીકળ

‘ઈશ્ક’પાલનપુરી

નામ આપી દે

મને તારા નયનનુ છલકતુ જામ આપી દે.
હવે આપણા સબંધ ને કંઈક નામ આપી દે.

બહુ થયુ ,ઘણુ રમ્યા આંખ મીંચામણી,
એક ડગલુ આગળ ભર,કાં અંજામ આપી દે.

જા,બધી લઈ જા,તુ સનમ ખુશી મારી,
પરંતુ મોઘેરા દર્દો તારા તમામ આપી દે.

ભેખ ધારણ કરીને હુ પણ ફકીર બની જાઉ,
એનુ નામ ભુલાવી,ખુદા મુખમાં રામ આપી દે.

મારે શબ્દો સાથે મૈત્રી થઈ ગઈ છે.
ક્રુપા કર ખુદા મને શબ્દો નુ ગામ આપી દે.

એ આશથી તો સહયે જાઉ છુ દર્દો ને,
કે આવીને એ પ્રેમથી દિલાસાનુ ઈનામ આપી દે.

દર્દ સાંભળી રડે છે કાગળ અને કલમ પણ,
મહેરબાની કર એમને તુ થોડો આરામ આપી દે.

દિલ મારુ,ગુનાહો મારા,આ દર્દો પણ મારા છે,
‘ઈશ્ક’નિષ્ઠુર નથી કે તારા પર ઈલ્ઝામ આપી દે.

‘ઈશ્ક’પાલનપુરી

ટહુકો બની ને આવજે.

મારા કવન માં તુ શ્બ્દો બની ને આવજે.
ભૂલો પડુ તો તુ સનમ રસ્તો બની ને આવજે.

બની શકે તો આવજે તુ ખુશી બની ને,
ના બની શકે તો દિલમાં તુ દર્દો બની ને આવજે.

વાદળોની સાથે સાથે બેચેની ઘેરી વળે છે મને,
અષાઢ તે માસ માં તુ ઢેલનો ટહુકો બની ને આવજે.

અવતરજે મારી જીંદગીમાં તુ છાંયડો બની ને,
વળી હુંફ આપવાને તુ તડકો બનીને આવજે.

દિવાળી ની રંગોળી બની રંગો પુરજે મુજ જીવનમાં.
રંગવાને હોળીએ ‘ઈશ્ક’ને તુ કેસુડો બની ને આવજે.

– ‘ઈશ્ક’પાલનપુરી

‘મારુ નામ ચીતરે છે’

જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે.
માસુમ દિલને અચાનક એ સાંભરે છે.

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

શોધો નહિ એને તમે મારી ગઝલ માં,
વ્યર્થ છે પ્રયસો,એતો દિલની ભીતરે છે.

શક્ય ક્યાંથી બને રુપાળુ મિલન અમારુ,
એક બિચારુ મઝધારે,બીજુ કિનારે છે.

ફૂટે છે કૂપળો,વ્રુક્ષો ને જ્યારે હસે છે,
ખરી પડે છે પર્ણૉ,જ્યારે એ ડૂસકાં ભરે છે.

ખેવના હતી મને એના સહારે તરવાની.
 ‘ઈશ્ક’હવે કોઇના નામે કોઇ ક્યાં તરે છે. ?

-‘ઈશ્ક’પાલનપુરી