‘ઇશ્ક’ની શાયરી બોલશે!

છે શ્રધ્ધા ‘ને મને ખાતરી બોલશે!
જોઈને એ મને પાધરી બોલશે!

હો ભલેને સરળ આકરી બોલશે!
એ નહીં ‘ઇશ્ક’ની શાયરી બોલશે!

કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.

છે પરિચય રજે રજ મને એમનો,
બોલશે જે સનમ આખરી બોલશે.

ચાહું છું હું તને કેટલું પૂછજે !
મે તને આપેલી ઝાંઝરી બોલશે.

‘ઇશ્ક’ પાલનપુરી

Advertisements

મેઘધનુષ્ય

૨૦/૦૯/૧૯૯૮ માં એક અછાંદસ લખેલું જે આપણી સમક્ષ મૂકી રહ્યો છું

તું ધરા બની તૃષા દર્શાવે

અને મારું ચિત પ્રેમરૂપી

ઘેરાં કળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય ,

હું ગગન બની તારા પર વરસી પડું ! ‘ને

એક રંગ બે રંગી મેઘધનુષ્ય રચાઈ જાય

આપણા પ્રેમનું !!!

-ઇશ્ક પાલનપુરી

મારે કાયમ શ્રાવણ જેવું.

સંબંધોમાં વળગણ જેવું
ક્યાંથી લાગે સગપણ જેવું.

શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.

આંસું જેવો ખારો નાતો
લાવું ક્યાંથી ગળપણ જેવું.

આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું.

ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું

મૌન થોડુંક તો બોલવું જોઇએ

મૌન થોડુંક તો બોલવું જોઇએ
હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

પ્રેમમાં તો જરા થોભવું જોઇએ
ઢાળ જોયા પછી દોડવું જોઇએ.

રાત પણ થાયતો ક્યાં ફિકર છે મને
પ્રેમથી કોઈતો રોકવું જોઈએ

એમનું ચાહવું પૂરતું ક્યાં મિત્રો,
રક્તમાં રક્ત થઈ દોડવું જોઈએ.

વાત કરવી હતી ‘ઈશ્ક’ને જાતથી,
કોઇતો એકલા છોડવું જોઈએ.

માન રાખું છું

મહારાજા સમી હું શાન રાખું છું
હથેળીમાં હું મારી જાન રાખું છું.

કશી પણ વાતનું ક્યાં ભાન રાખું છું
તમારી લાગણીનું માન રાખું છું.

હું મારાથી વધારે ધ્યાન રાખું છું
હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું

ગયો હું દોરવાઈ એમની વાતે,
કરું પણ શુ? હું કાચા કાન રાખું છું.

કરું સરખામણી મારી સુરજ સાથે,
અદલ એવું જ હું અભિમાન રાખું છું

સુરજ

૧૦.૦૪.૨૦૦૦ માં એક અછાંદસ લખવા પ્રયત્ન કર્યો હતો જે અહીં મુકી રહ્યો છું

સુરજને

ઘેલું ચડ્યું છે

પોતાનો

પડછાયો શોધવાનું

એટલે બિચારો !

ભટક્યા કરે છે

સવાર થી સાંજ સુધી

તમારું નગર ઓળખે છે.

ગલીઓ, સિમાડા ને ઘર ઓળખે છે.
મને તો તમારું નગર ઓળખે છે.

પુકારે મહેફિલ મને દોસ્તોની,
વળી રાહ જોતી નજર ઓળખે છે.

કહોને હું એ છું સબંધી તમારો,
મને ક્યાં તમારાં વગર ઓળખે છે.

તમારે ખભો આપવાનો છે દોસ્તો,
કફન ઓળખે છે,કબર ઓળખે છે.

હું છું ‘ઈશ્ક’પાલનપુરી,ઓળખો છો?
મુસાફિર,શરદ ને અમર ઓળખે છે.

-‘ઈશ્ક’પાલનપુરી

[છંદઃલગાગા લગાગા લગાગા લગાગા]